“થ્રિલર ફિલ્મના સીનની જેમ કોલ સાઇનઃ પાકિસ્તાની પેડલર ‘અલી’ કહે તો સામે રિસિવર ‘હૈદર’ કહે એટલે જ ડ્રગ્સ આપવાનું! કોઇ થ્રીલર મૂવીનો દિલધડક સીન ભજવાતો હોય તેવી રીતે ગુજરાત ATS, કોસ્ટ ગાર્ડ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના જાંબાજ જવાનોએ મધદરિયે એક ઓપરેશન પૂરું પાડ્યું. પોરબંદરથી ૧૮૦ નોટિકલ માઇલ દૂર દરિયામાં પાકિસ્તાની બોટ ‘અલ-રઝા’માં આવી રહેલા હેરોઇનના ૮૬ કિલો જથ્થા સાથે ૧૪ પાકિસ્તાનીઓને ઝબ્બે કરી લેવામાં આવ્યા છે. પાકિસ્તાની બોટના કેપ્ટને પોલીસની નાની બોટ પર પોતાની બોટ ચડાવી દેવાનો પ્રયાસ કરતાં તેના કેપ્ટનને ગોળી મારી શરણે થવા મજબૂર કરાયો હતો. કરાચીથી તામિલનાડુ થઇને શ્રીલંકા લઇ જવાતા ૬૦૦ કરોડના ડ્રગ્સના જથ્થાને ઝડપી લેવામાં આવ્યો છે. તેની તપાસ હવે કોસ્ટ ગાર્ડની ટીમ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ATSના અધિકારીઓએ પાકિસ્તાની ડ્રગ્સ માફિયાના હજારો કરોડના ડ્રગ્સ કન્સાઇન્ટમેન્ટ ઝડપી લઇ તેમની કમર તોડી નાખી છે.
ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર